Friday, June 1, 2012

'કાર્બન'

એ સાથી છે મારો...



મુકામ નહીં પ્રવાસ છે મહત્વનો
ને આ યાત્રાનો એ સાથી છે મારો
શ્યામ એ રંગે ને ઘાટીલો રૂપે
પડછંદ, સબળ ને તેજ છે પ્રતાપે
અમૂલ્ય એ 'કાર્બોનાડો' જે નામે, એ સાથી છે મારો..

સાથ અનંતનો જામતા ગયો સમય જરા વિશેષ
પણ તાલ-મેલ એવો કે દુનિયા આખી કરે છે દ્વેષ
શહેરો જોયા અનેક, કર્યો હજારો કોસ પ્રવાસ
મઝધાર નવ હું અટવાયો, હો પૂનમ યા હો અમાસ
હાથે કીધે પલટે દિશા ને પગને ઈશારે પ્રવેગ
હોય ભલે રસ્તો ખડકાળ કે માર્ગ દ્રુતવેગ
આ સમય સાથેની સ્પર્ધામાં, હું એનો સાર્થી ને એ સાથી છે મારો...

સમજે એ મારા હર મિજાજને
મન ઉકળે મારું ને પૈડાં બાળે એ
ખુશ હોઉં હું ને ઝૂમી ઊઠે એ
ખીજ હોય મારી ને ચીસો પાડે એ
ઊંઘ ચઢે મને ને લથ્થડીયા ખાય એ
ગુનગુનાટ હોય મારો ને નાચી ઉઠે એ
ખરો એ દોસ્ત છે મારો, એ સાથી છે મારો...

કોક કહે સોબતી સાચી ઓળખાણ માનવની
કોઈ કહે પિછાન સાચી એની 'કાર'
વળી બોલે કોઈ પરખ તો માત્ર એના મિત્ર
લગીરેક ચિંતન મર્મ એ જ ખોલશે 'પૃથક'
આગવી એક ઓળખ એ મારી, એ સાથી છે મારો...