Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts

Sunday, May 2, 2021

અરજ કરું છું..

નાનીશી કોરી આ પોથી ને સાદી એક કલમ લઈને બેઠો છું હાથમાં,
જાદુ તો આપની પ્રેરણાનો છે કે કાળી શાહી ભરે છે રંગ હર પાનમાં.

પ્રખરતા અને પ્રખ્યાતિ, બે અલગ પરિમાણ છે દ્રષ્ટિકોણના,
કર્ણનો ઊંચો છે દરજ્જો પાર્થથી, જયારે સરખામણી થાય દાનમાં.

પ્રતિકૂળ પરિસ્થિતિનું પરિણામ પણ સદા રાખવું જોઈએ ધ્યાનમાં, 
જ્યાં યુધ્ધ રહે તલવારની ધારમાં, શાંતિ એ તલવારની મિયાનમાં. 

પોતીકાને કઠોરતાથી તરછોડ્યા ને તડપાવ્યા તેં ગુમાનીના નશામાં,
સાચવજે - વખત પાસું બદલીને ના ઊભો હોય જયારે આવે તું ભાનમાં.

પ્રતિનિધિનું કામ એ કે દરેકની મહેનતનું વળતર આવે એના ભાગમાં,
પ્રશંસા તો થાય ભર સભામાં, પણ ઠપકો રહે સીમિત એના કાનમાં.

નાચી ઊઠે દિલ તાનમાં જયારે સુર રહે સંગીતકારના કમાનમાં,

જાણે રંગ સાત ભળી શોભાવે ઝરમરતા આભને મેઘકમાનમાં.


મનની વ્યથા છે એટલી ‘પૃથક’ કે રસ્તા બધા જાણે છે એ મકામના,

નિર્મિત કયા વળાંકે પહોચી, વળવું પાછા આજે એ સદા રહે અજ્ઞાનમાં.


Saturday, August 17, 2019

વિખૂટા પડેલ મિત્ર

મારા વિખૂટા પડેલ મિત્ર તારી બહુ યાદ સતાવે છે
આજે દિલ ગમગીન છે અને મને જરુર છે તારી

યાદ સતાવે છે તારી - ગેરમોજુદગી ડંખે છે મને
તું હોત તો તારે ખોળે માથું મૂકી ચોધાર રડી લેત

તેં લાજ રાખી દોસ્ત આંખના ખૂણે સુકાયેલા અશ્રુની
કે જરુર છે તારી ને તારી તરફી બધા રસ્તા છે બંધ

સાચો મિત્ર તું મારો કે આજે તું સંભાળત મને ને કાલે
ને તું જાણે કે કાલે તારા વિના હું સંભળી શકત નહીં

તારી તરફી રસ્તા છે બંધ ને તેં સભાને જ કર્યા હતા 
આજે સમજાય તારા કાલના કપરા નિર્ણયનો મર્મ

સમજાય કપરા નિર્ણયનો મર્મ ને કૃતજ્ઞ છે 'પૃથક'
કે આપણે વિખુટા મિત્ર છીએ પણ અમિત્ર થયા નથી 

Friday, April 27, 2018

ઈચ્છું છું

શું બનવું હતું - શું બની ગયો? હું જે હતો એ બનવા ઈચ્છું છું,
આ કઠપૂતળીનો તમાશો છોડીને હું મારી જાત થવા ઈચ્છું છું.

મારા માટે જેમ કોઈ લડયું આંધીમાં, એમ ઊભો રહેવા ઈચ્છું છું,
જગની સૌ સૌ ખુશીઓ શોધી હું કોઈને નામે કરવા ઈચ્છું છું.

છો બોજથી લદાયેલા હો ખભા, જખમી તન ને ચિંતામાં ચિત્ત,
ગત રાત સાથે સૌ દર્દ ભૂલાવી આજ સવાર માણવા ઈચ્છું છું.

અગાધ દરિયામાં મોજા બની વારંવાર કિનારે પહોંચવા ઈચ્છું છું,
અંજાણ રસ્તે મુસાફર બની અવનવી મંઝિલો શોધવા ઈચ્છું છું.

પર્વત બની આકાશને ચૂમવા ઈચ્છું છું, સૂર્યને પામવા ઈચ્છું છું,
ચંદ્ર બની ભમવા ઈચ્છું છું, અવની સંગ ફૂંદરડી ફરવા ઈચ્છું છું.

વૃષ્ટિ બની કોઈ તન-મન ભીંજવવાં ઈચ્છું છું, રીઝવવાં ઈચ્છું છું,
બે વર્ષનો બાળક બની નિર્દોષ નજરે દુનિયા નિહાળવા ઈચ્છું છું.

સમંદર કાંઠે છીપલા વીણવા, ને વાડીએ કેરીઓ તોડવા ઈચ્છું છું,
નિરસ દિનચર્યામાં છુપી નાનીમોટી ખુશીઓ બિરદાવવા ઈચ્છું છું.

મોડી રાતે, મિત્રો સાથે ગોષ્ઠી કરતાં ચાની ચુસકી ભરવા ઈચ્છું છું,
સૂર્યાસ્ત સમયે, સંગિની સાથે સુકૂનના બે પલ વિતાવવા ઈચ્છું છું.

જોયા હતા જે સ્વ-અર્થે, ખૂલી આંખે, એ સપના જીવવા ઈચ્છું છું,
હું 'પૃથક' બનવા ઈચ્છું છું, રહેવા ઈચ્છું છું, બની રહેવા ઈચ્છું છું.

Friday, October 20, 2017

એક અચળ મનની વિહ્વળતા

મન આજ મારુ વિહ્વળ છે
સ્પષ્ટતાથી કઈ વિચારતું નથી 

જે સૂઝે છે એ સમજતું નથી 
જે સમજે છે એ માનતું નથી 

જે દેખાય છે એ દેખતું નથી 
જ્યાં જવું છે ત્યાં જતું નથી

જે દિલમાં છે એ કહેતું નથી 
જે કરવું છે એ કરતું નથી 

શું સાચું એ જાણતું નથી 
શું સાચવું એ પિછાણતું નથી 

પ્રિય એને જે, ઉત્તર-દક્ષિણ 
સાથે એ કદી મળતા નથી

મેળવવા એમને ખેંચાય છે 
પણ બન્ને સીમાડે પથરાતું નથી

એનો જીવ ઘવાય છે હર ઘડી
એ વ્યથા કોઈને સુણાવતું નથી 

ખુશી શોધવા નીકળતું નથી 
મળતી ખુશી સ્વીકારતું નથી 

કવિમન ખુદને 'પૃથક' કહું કે.. ? 
એ મુંઝવણ સુલઝાવતું નથી 


અચળ - firm, વિહ્વળતા - bewilderedness 

Tuesday, November 8, 2016

એક પહેલી - જીવન

જો એ નીકળે તો એ ખોટો, અને જો ના નીકળે તો હું. - શબ્દ 
પ્રયત્ન જરૂર માંગે છે એ પણ આજે પણ ચાલે છે. - શ્વાશ 
કાબૂ કરવો એને છે મુશ્કેલ. જયારે રહે કાબૂમાં, આંસુ બની વહી જાય છે. - ગુસ્સો 
એ સરે તો હૃદય હળવું થાય, પણ એના ઉદ્ભવનો ભાર દિલ કેમ ખમે! - આંસુ  
સારા-નરસા હોય ભલે, જ્ઞાન નવું એ આપે. આજકાલ સારા જરા ને નરસા જાજા થાય છે. - અનુભવ
અડગ કિલ્લો  હતો એ આજે પત્તાનો મહેલ બની ઊભો છે ને પવન જરા તેજ છે અહીં. - સબંધ
એ સુખ માંય ઉભરાય ને દુઃખમાં બી. એનો અતિરેક કે કાબૂ હરેકની પ્રકૃતિ દર્શાવે છે. - લાગણી
ક્યારેક લાગે કે એ ખૂટતી જ નથી ને ક્યારેક શોધી શોધીને થાકો તોય મળતી નથી. - વાતો
પસંદ નથી એ કોઈને છતાં કરે છે દરેક દાવો - મારી પાસે છે ઘણાં. - દુઃખ
એ કદી અટકતો નથી તોય ક્યારેક લાગે છે કે પસાર થતો નથી. - સમય
આમ તો એ છે પરિમાણ રહિત પણ 'પૃથક' માપે એને 'બે ગ્રામ'. - પ્રેમ

Thursday, May 26, 2016

પતંગિયા

પતંગિયા પતંગિયા
મારા બકુડાને ગમે એવા

લાલ પીળા છીંકણી લીલા
કાળા ધોળા ગુલાબી નીલા
મારા બકુડાને ગમે એવા
પતંગિયા પતંગિયા

ફર-ફર ફર-ફર ઊડે એવા
ફૂલ-ફૂલ ફૂલ-ફૂલ ઘૂમે એવા
મારા બકુડાને ગમે એવા
પતંગિયા પતંગિયા 

Sunday, May 8, 2016

શૂન્ય

પાનખર ચઢે ને ડાળ રહી જાય શૂન્ય.
ગ્રહણ બેસે ને સૂર્ય બચી જાય શૂન્ય.
ઓટ આવે ને કિનારો થઇ જાય શૂન્ય.
મૃગજળે ઊભું મૃગ ને જળ ઊડી થાય શૂન્ય.
અબજનો એક મીટે ને શેષ મીંડા ગણી જાય શૂન્ય.
બંધ થતી ચાંપ પર ચિન્હ સૂચવી જાય શૂન્ય.
વીજપ્રવાહ થંભે ને ગોળો બુઝી થાય શૂન્ય.
પડદો પડે ને રંગમંચ બની જાય શૂન્ય.
શ્વાસ થંભે ને શરીર વધી જાય શૂન્ય.
વાત-આવરણ તૂટે ને અવકાશ કરી જાય શૂન્ય.
અબુધ પ્રયત્નો સરવાળે મળી થાય શૂન્ય.
લાલસા સામે બુદ્ધિમત્તા ટકી જાય શૂન્ય.
કુબુદ્ધિ સુઝે ને જીવતર સમેટી થાય શૂન્ય.
વિરહ વિચારે 'પૃથક' વેઠી જાય શૂન્ય.

Sunday, May 10, 2015

એને નૈઋત્ય કહેવાય...

દક્ષિણ-પશ્ચિમનો કોણદ્વિભાજક જે દિશાએ દોરી જાય, એને નૈઋત્ય કહેવાય...
The direction in which angle-bisector of south & west leads, is called Nairutya…

હિમાલયની ટોચે પહોંચી જ્યાં અરબ સાગર દેખાય, એને નૈઋત્ય કહેવાય...
Where the Arabian Sea is sighted from the top of the Himalayas, is called Nairutya…

દ્વારકા તટે સૂર્યાસ્ત ટાણે ઢળતો સૂરજ ખોળતાં જ્યાં નજર રોકાય, એને નૈઋત્ય કહેવાય...
Where the eyes reach, searching the setting sun at sunset on Dwarka beach, is called Nairutya…

અમદાવાદની ઉત્તરાયણે દોરી લઇ પતંગ જે દિશ ઊડતો જાય, એને નૈઋત્ય કહેવાય...
The direction where kites fly on Ahmedabad’s Uttarayan, is called Nairutya…

ચૈત્રની સાંજે ઘર આખામાં હવાઉજાસ જે દિશાથી પથરાય, એને નૈઋત્ય કહેવાય...
The direction from which air & light spread into the house on an April eve, is called Nairutya…

ઉનાળાની રાતે અગાશીએ મંદ વાયરો જ્યાંથી વાય, એને નૈઋત્ય કહેવાય...
From where breeze passes through terraces on summer nights, is called Nairutya…

વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતને મતે જ્યાં પૂર્વજોનો વાસ થાય, એને નૈઋત્ય કહેવાય...
According to the Vastu Shastra expert, where ancestors live, is called Nairutya…

ચોગમ વહેતી નદીઓ સુકાય, ને ઉપરવાસ વિસરી જ્યાં મુખ કરાય, એને નૈઋત્ય કહેવાય...
Where all heads turn, overlooking the upriver when rivers (flowing in all directions) dry out, is called Nairutya…

સૂકાં પટે થંભેલો કાંપ જે અનિલ-લહેરે નવા પ્રવાસે તૈયાર થાય, એને નૈઋત્ય કહેવાય...
The air current on which settled sand on a dried riverbed, prepares for new travel, is called Nairutya…

ખદખદતા ડામરના રસ્તાની વરાળ જે હવાઓ તાણી જાય, એને નૈઋત્ય કહેવાય...
The winds that blow away the vapour of boiling asphalt roads, is called Nairutya…

પર્યટકને આકર્ષવા ગિરિમથક સૌ જ્યાં શૃંગાર સજવા જાય, એને નૈઋત્ય કહેવાય...
Where all hill stations travel for ornamentation to attract tourists, is called Nairutya…

બફારાથી કંટાળી, પરસેવો લૂછી આભનો જે ખૂણો જોવાય, એને નૈઋત્ય કહેવાય...
The corner of the sky that is seen when perspired and frustrated by humidity, is called Nairutya…

           ખેડ, ખાતર ને બીજ નાખી, ભગવાનને જ્યાં શોધાય, એને નૈઋત્ય કહેવાય...
Where the farmer looks for the God after ploughing, fertilizing and sowing, is called Nairutya…

મકાનની જે અટારીએ ગૃહિણીઓની સંધ્યા-ગોષ્ઠિ થાય, એને નૈઋત્ય કહેવાય...
The balcony of the house where housewives’ evening assemblies are held, is called Nairutya…

એસી ઓફિસની જે બારીએથી "હવે આવવો જોઈએ"ની ધારણા થાય, એને નૈઋત્ય કહેવાય...
The window of the A/C offices from where “it would come now” is predicted, is called Nairutya…

જે દિગંત ગાજવીજે અધૂરા પ્રોજેક્ટની ચિંતા વધી જાય, એને નૈઋત્ય કહેવાય...
The horizon, thunderstorm at which, causes worries of unfinished projects, is called Nairutya…

ક્રિકેટપ્રેમી બાળુડાંની માં જે લૂ લાગવાથી ગભરાય, એને નૈઋત્ય કહેવાય...
The heatstroke that frightens mother of every cricket loving child, is called Nairutya…

દાદા-પૌત્રની કાગ હોડીઓ આતુરતામાં જે વાયુ તરંગે ફરકાય, એને નૈઋત્ય કહેવાય...
The air ripples that sway (waiting) eager paper boats of kid-grandpa duo, is called Nairutya…

પહેલી કાળી વાદળી જે ક્ષિતેજે જોઈ મન પ્રફુલ્લિત થાય, એને નૈઋત્ય કહેવાય...
The skyline, first little black cloud at which delights hearts, is called Nairutya…

ઘનન-ઘનન કાને પડતા જ જ્યાં આંખિયું દોડી જાય, એને નૈઋત્ય કહેવાય...
What the eyes try to spot on hearing the thunders, is called Nairutya…

શિક્ષક-શિક્ષણની જાણ ભૂલીને વર્ગ આખાની નજર જ્યાં ટંકાય, એને નૈઋત્ય કહેવાય...
Where the entire classroom stares, forgetting teacher-teachings, is called Nairutya…

"એ આવ્યો"ની હાંશ કરાવતી સોડમ જ્યાંથી પ્રસરાય, એને નૈઋત્ય કહેવાય...
Wherefrom the scent that brings relief of “it has arrived!” is propagated, is called Nairutya…

આછી લીલી ઓઢણી લઈ, મલકાતી ધરા જે દુકાને દેખાય, એને નૈઋત્ય કહેવાય...
The store, where amused soil is seen buying greenish stole, is called Nairutya…

વર્ષોના-વર્ષો વૃષ્ટિની ભેટ ભારતવર્ષને જ્યાંથી ધરાય, એને નૈઋત્ય કહેવાય...
Whence, gift of rain is presented to Indian subcontinent for ages, is called Nairutya…

ખેતીપ્રધાન એ દેશનો વાર્ષિક વરતારો જે પવને કઢાય, એને નૈઋત્ય કહેવાય...
Winds, through which annual forecast of this agricultural nation is estimated, is called Nairutya…

સુખ-શાંતિ અને સમૃદ્ધિ જે જળબિંદુએ વરસાવાય, એને નૈઋત્ય કહેવાય...
The water droplets that rain happiness, peace and prosperity, is called Nairutya…

પ્રત્યક્ષ કે પરોક્ષ, જે દરેક ભારતીય માટે “આશાની દિશા” બની જાય, એને નૈઋત્ય કહેવાય...
What, directly or indirectly, becomes “Direction of Hope” for every Indian, is called Nairutya…

નવું જાણ્યું નામ જે, ‘પૃથક’ એ તો વર્ષ દરેકે યાદ કરાય, એને નૈઋત્ય કહેવાય...
The name, ‘Pruthak’ believed novel, that is recalled year after year, is called Nairutya…

Saturday, December 13, 2014

તને હું નામ દઉં છું...

મુજ પ્રથમ બાળ-સ્મૃતિમાં જે સમાયી, નૈર્ઋત્ય-થી આવી,
આશ-ઉમંગની ઋત એ, વૃષ્ટિ તદર્થે હું મલ્હાર ગાઉં છું.

હોય જેના સાથી અનેક, પણ ન તેને સમકક્ષ કોય,
અનેરી એવી લાખોમાં એક - અનન્યા હું સાફ જોઉં છું.

સૂર્ય હોય ભલે શિરે તપતો, પ્રેમીહૈયાને તોય રીઝવતો,
હરિત રંગી, મધુર રાગ ધાની, તારો હું રિયાઝ કરું છું.

ક્ષણ-ક્ષણ બની જે યાદ, ઝણઝાણાવે દિલના તાર,
પુનિત, પ્રણય સભર એ પલ, તને હું પ્યાર આંકું છું.

હેમંત-શિશિરની ટાઢી સાંજે, રાગ જે સ્વરને દે ગમક,
કૃષ્ણ-રંગે રંગીલી ગોપી - અભીરી સંગે હું રાસ રમું છું.

સ્વરથી સંપૂર્ણ, ઉભય વક્ર રાગ જે રંજક છતાં રડાવે,
ધીર, સહિષ્ણુ, ત્રિકાળજ્ઞ, સાહના તારો હું સંગાથ ચાહું છું.

અંતરની ઊર્મિ-ટૂક અડધે ઉમેરી, ઝરણ-તરુણીને -
નદી-નાર નીખારતી, અંતરા તને હું શરૂઆત ગણું છું.

ગહન કવિ મન-સાગર ટટોળી, હૃદય-મોતી ખોળી,
શબ્દ-માળા ગૂંથતી લિરિક, તને હું સત્-ભાવ રચું છું.

વસે જે ગોળ ઉત્તરે બની નક્ષત્ર શિરોમણી અભિજિત,
પુરાતન તાર-વાદ્ય, લાયરા તને હું સિતાર જાણું છું.

હવા ક્યાંક કહે, કોક સિંહણી, મધુર ગવાયું જે એકલ કંઠે,
વિસ્તૃત ગીત એ આરિયા, તને હું સહ-ધ્યાન સુણું છું.

ક્રમચયે-સંચયે સર્જે સંગીત, વ્યંજને વળગી વણે વાણી,
મૂળ આરવ-શ્રવણ તત્વ - સ્વરા, હું હર શ્વાસ ભરું છું.

પ્રાચીન પ્રભાતિયા, જેની ઓળખ સચવાઈ મૈહર ઘરાને,
ભૈરવ-તોડીમાં લીન રાગ, અહીરી તને હું સુપ્રભાત કહું છું.

શુદ્ધથી વધી શુદ્ધતમનો પરિતોષ કરાવે જેનો પરિચય,
રાજ્ઞી અરાયના, તારા પર બની હું સ્નેહ-અપાર વર્ષું છું.

વિના પૂર્વજ્ઞાન કરે તાલ મિશ્રણનો ચક્રવ્યુહ જે પ્રસ્તુત,  
ઝૂલણહાર સંગીત શૈલી - જાઝ, હું ડોલાવી માથ માણું છું.

દિલે ભરે મીઠાશ જેના બોલનો ટહુકાર, શ્વાસનો રણકાર
અને હૃદયનો ધબકાર, તે પ્રેયસી પર હું પ્રાણ વારું છું.

ઈચ્છા-આકાંક્ષા પ્રબળ, જાણે ઈશાન-માં પ્રચંડ ગિર અચળ,
આર્ય જે અગ્રેજ-મન એ, તૃષા છિપાવા હું પ્રયાસ કરું છું.

અહેસાસ જે નાચ, ગાન ને વાદ્યના સુમેળે કરે તલ્લીન,
પધ્ધતિસરની પુનરાવર્તી પ્રણાલી, લય-માં હું તાલ પૂરું છું.

હાલરડાં-જોડકણાં થી પ્રેમગીત-લગ્નગીત શીખવવા આતુર,
સ્વપ્નો સજાવતો 'પૃથક' લખે છે - તને હું નામ દઉં છું...



નૈર્ઋત્ય = South-West Direction, for Indians - Direction of Hope (આશા ની દિશા), તદર્થે = For You, ગમક = Singing Style with Vibrations, ઉભય વક્ર = Raga in which, Notes in Both Ascent and Decent follow a Zig-Zag Pattern, રંજક = Entertaining, Pleasing, સહિષ્ણુ = Enduring, ટૂક = Stanza, લિરિક(Lyric) = ઊર્મિકાવ્ય, વ્યંજન = Consonant, સ્વર = The Seven Notes of Indian Classical Music, Vowels(Script), ક્રમચય-સંચય = Permutation-Combination, આરવ = Sound, Vocal, મૈહર = A city in Madhya Pradesh, A Hindustani Classical Music Clan which produced Gems like Ustad Ali Akbar Khan, Pandit Ravi Shankar etc., ભૈરવ,તોડી = Names of Raga, સુપ્રભાત = Blossomed Morning, પરિતોષ = Complete Satisfaction, રાજ્ઞી = Queen, અરાયના = Pure(Sanskrit), Queen(Latin), સ્નેહ-અપાર = SnehA-Par(th), ઝૂલણહાર = Swinging, પ્રણાલી = Tradition, Practice, જોડકણાં = Rhymes.