Friday, October 9, 2009

બાળ સ્મિત બન્યું છે તરુણ હાસ્ય આજ શમણું

બે ગુલાબી વળાંક ને વચ્ચે જન્મી શ્વેત એક રેખા,
જાણે વિલંબિત વરસાદે વેગાયમાન ખળખળ ઝરણું...
હોઠના ખૂણા કંડારતાં, ઊભરતા ગાલના એ ખંજન,
કોઇ બાળ સ્મિત બન્યું છે તરુણ હાસ્ય આજ શમણું...

ઈદના આ ચાંદને સોળે કળાએ નિખારતા,
નાજુક, નિર્દોષ, નિર્મળ, ચંચળ, કોમળ, શીતળ, કે ગહન,
પારદર્શી, નિઃશબ્દ, દિવ્ય, આતુર, અનુરાગી, અલંકારી,
મધુર, મોહક ને માદક ચિતરતાં, મલકતાં બે નયન...

નવપલ્લવિત એ કળીને ફૂલોની સુગંધે મહેકાવતા,
ગાલની લાલાશ, નાકની સીધ ને લહેરાતી લટના વળ...
કુદરતી એ અજાયબીમાં માનવરંગે પ્રાણ પૂરતાં,
કપાળે ટીલડી, હોઠે લાલી, કાને બાલી ને આંખે કાજળ...

બોલે એ ભાષા, આશા, ઉમંગ, ધગશ કે લાગણીની,
સ્નેહ, આસ્થા, મહાત્વાકાંક્ષા, હિંમત, યૌવન કે મમતાની...
લખે એ લિપિ, સાથ-સહકાર, ગીત-સંગીત ને આચાર-વિચારની,
પ્રકાશ, પ્રેરણા, પ્રગતિ, જાગૃતિ, સત્ય, વિશ્વાસ ને ક્ષમતાની...

નિત નવા જીવનશૃંગ ઓળંગવાને પ્રેરક છે એ,
તારા અંતરે આનંદ ને મુખે મલકાટનું સર્જક છે એ...
અલૌકિક કોઇ અવિસ્મરણીય 'પૃથક્' પલ છે એ,
જાણે પાવન પ્રણયની પ્રથમ પ્રતીતિનો પ્રભાવ છે એ...

Friday, October 2, 2009

જીવન અમૂલ્ય છે...

લખું ભૂંસું અને ફરી લખું, ચઢું પડું ને ફરી ચઢું,
હસું, દોડું, રમું, કૂદું, ઊડું, શીખું, જીવું; કારણ, આ જીવન અમૂલ્ય છે...

મારે ખૂંદી વળવું છે આખું આ વિશ્વ
,
ને જાણી લેવું છે કોઇ અદભૂત રહસ્ય... આ જીવન અમૂલ્ય છે...

બની દીવાસાળી પ્રગટાવવી છે કોઇક જ્યોત,
પણ રાખ થઉં બીડીની ટોચે દેતા ધીમું મોત... આ જીવન અમૂલ્ય છે...

બની પંખી વિહરવું છે
અપાર-અગાધ ગગનમાં,
બાજનજરે સમાવવો છે આ વિશ્વાલેખ નયનમાં... આ જીવન અમૂલ્ય છે...

ડગ માંડું નિરંતર અથાક પરિશ્રમના પંથે,
ના ચડું ભ્રમે આદિ મિથ્યાજ્ઞાન વ્યાપક ગ્રંથે... આ જીવન અમૂલ્ય છે...

'પૃથક્' વિચારક જ નહિ વિચારપ્રેરક બનું હું,
જાગું, જગાડું ને ઉન્નતિનો નૈતિક માર્ગ ચીંધું હું... આ જીવન અમૂલ્ય છે...